ગુજરાત રાષ્ટ્રીય વાયરલ વિડીઓ

મનોજે ફી ભરવા માટે ઈંડાની રેકડી કરી, શાકભાજી વેંચી અને ઓફીસમાં કચરા-પોતા પણ કર્યા.

આપ શેર કરી શકો છો

મનોજકુમાર રોય આજે છે કલાસ વન ઓફિસર. હા મિત્રો, આજે એક એવા ઓફિસરની વાત કરવી છે, જેનો સંઘર્ષ આપણને સૌને પ્રેરણા આપે તેવો છે. બિહારના એક નાનકડા ગામનો છોકરો આજે આખા દેશના યુવાનો માટે આદર્શ બની ગયો છે. કશુંક કરી બતાવવાની ભાવના સાથે અને ઓફિસર બનવાની ઈચ્છા પૂર્ણ કરવા મનોજ બિહારથી દિલ્હી આવીને વસે છે. થોડાક પૈસા હતા તે કોચિંગમાં ખર્ચ થઈ ગયા. હવે શું કરવું..? અને મનોજે પોતાના ભરણ-પોષણના ખર્ચ માટે દિલ્હીમાં ઈંડાની લારી શરૂ કરી. શાકભાજી પણ વેચી અને જરૂર પડી તો ઓફિસબોય તરીકે કોઈની ઓફિસમાં કચરા-પોતા પણ કર્યા.

બિહાર જિલ્લાના સુપોલ જિલ્લાના કોઈ નાનકડા ગામમાંથી જન્મેલા મનોજને નાનપણથી જ વારંવાર કહેવામાં આવતું કે ભણવાથી પણ વધુ મહત્વનું છે પૈસા માટે કામ કરવું. આ વિચાર સાથે જ બાર ધોરણ પાસ થઈ નોકરી-ધંધાની શોધમાં મનોજ સુપોલથી દિલ્હી આવી ગયો.
દિલ્હી આવી તેણે JNU (જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય)માં અનાજ-રાશન પહોંચાડવાનું કામ શરૂ કર્યું. અહીં તેની મુલાકાત પોતાના વતન બાજુના એક ઉદય નામના વિદ્યાર્થી સાથે થઈ. તે વિદ્યાર્થીએ મનોજને અભ્યાસ પૂરો કરવા સુચન કર્યું અને પછી upsc ની તૈયારી કરવાની સલાહ આપી.

મનોજને પણ થયું કે કોઈ ડીગ્રી હોય તો સારી નોકરી મેળવવામાં અનુકૂળતા રહે. જેથી તેણે મહર્ષિ અરવિંદો કોલેજમાં (સાંજના સેશનમાં) બી.એ.નો અભ્યાસ આરંભ્યો. ઈંડાં અને શાકભાજી વેચતા વેચતા તેણે ઇ.સ.2000માં બી.એ. પૂરું કર્યું.

2001માં મનોજે upscની તૈયારી આરંભી. તે સમયે જ અન્ય એક વિદ્યાર્થીના માધ્યમથી પટના વિશ્વવિદ્યાલયના ભૂગોળ વિષયના એક પીએચ.ડી. પ્રોફેસર રાસબિહારી પ્રસાદસિંહ સાથે મુલાકાત કરાવી, જે કેટલાક સમય માટે દિલ્હી આવ્યા હતા. તેમના ભૂગોળ વિષયના વિશેષ જ્ઞાનથી પ્રભાવિત થઈ મનોજે upscમાં વૈકલ્પિક વિષય તરીકે ભૂગોળ પસંદ કરી કેટલોક સમય અભ્યાસ માટે પટના જવાનું નક્કી કર્યું. ત્રણ વર્ષ પટનામાં રહી મનોજે upsc ની તૈયારી શરૂ કરી. સાથેસાથે પોતાનો ખર્ચ કાઢવા ટ્યુશન કરાવવા પણ શરૂ કર્યા. 2005માં તેણે upscની પરીક્ષા પ્રથમવાર આપી. જેમાં સફળતા ન મળી. જેથી મનોજ પટના છોડી ફરી દિલ્હી આવી ગયો.

મનોજનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન સાવ નબળું હતું. જેથી વારંવાર તે અસફળ થતો. ચાર વાર નિષ્ફળતા પછી મનોજે પોતાની રણનીતિ બદલી. પ્રિલીમની તૈયારી કરવાને બદલે તેણે મેઇન્સની જ તૈયારી શરૂ કરી. કારણકે મેન્સનો 80% અભ્યાસક્રમ પ્રિલીમમાં આવતો.
સૌ પ્રથમ તો તેણે NCERTનો ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસક્રમ વાંચી લીધો. કરન્ટ અફેર્સ માટે upsc વિષયક સામયિકો શરૂ કર્યા અને જૂના સમાચારો પણ વાંચ્યા. અંગ્રેજી સુધારવા તેણે દરરોજ એક કલાક ‘The Hindu’ ન્યુઝપેપર વાંચવું શરૂ કર્યું.

મનોજને આત્મવિશ્વાસ હતો કે તેની મહેનત એક દિવસ જરૂર રંગ લાવશે અને તે ચોક્કસ મોટો ઓફિસર બનશે. અંતે મનોજે 2010માં upscની પરીક્ષા પાંચમા પ્રયત્ને 870 રેંક સાથે પાસ કરી. IAS કે IPS રેન્ક તો ન મળી પણ IOFS (ભારતીય આયુધ નિર્માણ સેવા)માં ઓફિસર બની તેને UPSC ક્રેક કરવાનું અને ઓફિસર બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું. પોતાની સફળતાનો શ્રેય તે પોતાના મિત્રોને આપે છે. તે લોકો સમય સમયે મનોજને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું.

વાત અહીં પુરી નથી થતી. મનોજમાંથી મનોજકુમાર રોય બનેલ આ ઓફિસર બિહારના ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્વખર્ચે એક કોચિંગ કલાસ શરૂ કરે છે. વીકેન્ડમાં ફરવા જવાના બદલે તે એ કોચિંગ ક્લાસની રૂબરૂ મુલાકાત લઈ યુવાનોને પ્રોત્સાહિત કરે છે. આજે એ કોચિંગ ક્લાસના પચાસેક જેટલા યુવાનો બિહાર લોક સેવા જેવી ટોપ પરીક્ષાઓ પાસ કરી નોકરીએ લાગ્યા છે.

આમ પોતાને અભ્યાસ માટે કરવો પડેલો સંઘર્ષ અન્ય ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને ન કરવો પડે તે માટે મનોજ કુમાર રોય ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે. વાત આટલી જ સમજવાની છે. મહેનતનું ફળ અને સમસ્યાનું સોલ્યુશન ભલે મોડા મળે પરંતુ મળે જરૂર છે.
-ડૉ. સુનીલ જાદવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *