ગુજરાત

સંઘર્ષ ગાથા : અનાથાશ્રમમાં ઉછરેલો બાળક કેવી રીતે બન્યો IAS ??? જાણો સંઘર્ષ ની કહાની

આપ શેર કરી શકો છો

અડગ મનનાં માનવીને હિમાલય પણ નથી નડતો.’ એ કહેવત સાર્થક કરી બતાવી છે મહંમદ અલી સિહાબે.

મહંમદ અલી સિહાબનો જન્મ કેરળના મલ્લપુરમ જિલ્લાના કોન્ડોતી પાસેના એડવન્નાપ્પરા ગામે થયેલો. નાનપણમાં સિહાબ સ્કૂલમાંથી ગુલ્લી મારવા ટેવાયેલો હતો. તે સ્કૂલમાંથી રજા લેવા જાત જાતના બહાના શોધ્યા કરતો. કારણ કે તેના પિતાને અસ્થમાની બીમારી હતી અને તે પિતાને મદદરૂપ બનવા માગતો’તો. એંસીના દાયકામાં સિહાબ અન્ય લોકોની જેમ પોતાની દુકાન સ્થાપવા માગતો હતો. પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ક્યારેક તેને પાનની દુકાને બેસવું પડતું તો ક્યારેક તેને વાંસમાંથી બનાવેલી ટોકરી(ટોપલી)ઓ વેચવા જવું પડતું.

માત્ર અગિયાર વર્ષની ઉંમરે જ 1991માં લાંબી બીમારી બાદ સિહાદના પિતા કોરોત અલી અવસાન પામ્યા. માતા એટલી ગરીબ હતી કે પતિના અવસાન બાદ પાંચ બાળકોનો ખર્ચ ઉઠાવવો તેના માટે કપરો હતો. જેથી દિલ પર પથ્થર રાખી તેણે પોતાના બાળકોને અનાથાશ્રમમાં મુકવાનું નક્કી કર્યું.

કોઈ મા ક્યારેય ન ઈચ્છે કે તેના સંતાનો આ રીતે અનાથાશ્રમમાં ઉછરે..! પરંતુ ગરીબીએ તે માતાને મજબૂર કરી, જેથી તેણે પોતાનો એક દીકરો અને બે દીકરીઓ એમ પાંચમાંથી ત્રણ સંતાનોને કોજહીડોકેના મુસ્લિમ અનાથાશ્રમમાં મૂક્યા.અનાથાશ્રમમાં અનેક અભાવો વચ્ચે સિહાબ ઉછર્યો. છતાં પિતાના અવસાન પછી ઊભી થયેલી આર્થિક અભાવો વચ્ચેની કપરી સ્થિતિ કરતા તો અનાથાશ્રમ સારું જ હતું. અનાથાશ્રમમાં રહેવાથી તેના જીવનમાં શિસ્ત-અનુશાસન આવ્યા.સિહાબે પોતાની જિંદગીના દશ વર્ષ અનાથાશ્રમમાં વિતાવ્યા. તેનો પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવતો. અનાથાશ્રમમાં સિહાબ એક હોંશિયાર અને બુદ્ધિમાન વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ હતો. તે સાંજે આઠ વાગ્યે જમીને તરત સુઈ જતો અને મધ્ય રાત્રિએ જાગી જતો. ચાદર ઓઢી બેટરીના આછા પ્રકાશમાં તે વાંચતો, જેથી અન્યોની ઊંઘમાં કોઈ ખલેલ ન પડે.આ રીતે અનેક અભાવો વચ્ચે ઉછરનાર સિહાબનું ધ્યેય ઉચ્ચ હતું. મુશ્કેલીઓ અસંખ્ય હતો. પડકારો પણ પારાવાર હતા. પણ આ બધી સમસ્યાઓ નો એક માત્ર હલ શિક્ષણમાં જ હતો.

સિહાબ સારી કોલેજમાં રેગ્યુલર ગ્રેજ્યુએશન કરવા માગતો હતો. આ સંદર્ભે પરિવાર સાથે વાત કરવા તે પોતાના ગામ પરત આવ્યો. પરંતુ પરિવારજનોએ કોઈપણ પ્રકારની મદદ માટે અસમર્થતા દર્શાવી. જેથી સિહાબે એક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી.
ત્યારબાદ કેરલ જલ પ્રાધિકરણમાં તેણે પટાવાળાની નોકરી સ્વીકારી. દરમિયાન બી.એ.ના અભ્યાસ માટે ક્લીકટ વિશ્વવિદ્યાલયમાં ઇતિહાસ વિષયમાં એડમિશન લીધું. પછી તો કશુંક કરી દેખાડવાની મમત જાગી અને તે ગ્રામ પંચાયતમાં ક્લાર્ક બની ગયો. ગ્રેજ્યુએશનના અભ્યાસ દરમિયાન અને બી.એ. થયા પછી પણ પોતાની સીમિત યોગ્યતા સાથે સિહાબે અનેક વિભાગમાં નોકરીઓ કરી. કારણ કે સાહિબે 21 જેટલી રાજ્ય સ્તરીય લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરી હતી.સિહાબ છેક 27 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયો. ત્યાં સુધી તેના મનમાં upscની પરીક્ષા સંદર્ભે કોઈ સ્પષ્ટ પ્લાન નહોતો. એ પરીક્ષા સંદર્ભનું કોઈ વિશેષ જ્ઞાન પણ નહોતું. પરંતુ તેના ભાઈએ જ્યારે જાણ્યું કે સાહિબે રાજ્ય સ્તરની PCS પરીક્ષા પાસ કરી છે, તો તેણે સાહિબને UPSCની પરીક્ષા આપવા પ્રેર્યો.

સિહાબ જ્યારે PCS પરીક્ષા પાસ થયો તો સ્થાનિક અખબારોએ તેની નોંધ છાપી અને તે આગળ શું કરવા માગે છે તે પ્રશ્ન પૂછ્યો. સિહાબે સ્વાભાવિક રીતે જ જવાબ આપ્યો કે તે UPSC પાસ કરવા માગે છે.તે જે અનાથાશ્રમમાં રહેતો’તો એ લોકોને જ્યારે ખબર પડી તો તે લોકો પણ સિહાબને આર્થિક મદદ કરવા તૈયાર થઈ ગયા.થોડા દિવસો પછી નવી દિલ્હી સ્થિત જકાત ફાઉન્ડેશને એક પ્રવેશ પરીક્ષા યોજી. જેમાં પાસ થનારાને તેઓ દિલ્હીમાં ફ્રી કોચિંગ પૂરું પડવાના હતા. સિહાબે તે પ્રવેશ પરીક્ષા પાસ કરી, જેથી તેને દિલ્હી જઈ તૈયારી કરવાની તક મળી.

દિલ્હીમાં જઈ તૈયારી કરી તેણે 2007 અને 2008માં UPSC ની પ્રિલીમ આપી પણ સફળતા ન મળી. તેની ઉંમર પણ ત્રીસ થવા આવી હતી. સિહાબ જાણતો હતો કે તેની પાસે વધુ સમય અને વધુ તક પણ નહોતી. કારણ કે તેની ઉંમર ત્રીસ થવા આવી હતી.

આ સમય દરમિયાન તેના લગ્ન પણ થઈ ગયા હતા અને તેના ઘેર નવ મહિનાનું બાળક પણ હતું. તૈયારી અને ઘરની જવાબદારી વચ્ચે ઝઝૂમી રહેલા સિહાબે પોતાની બધી જ તાકાત લગાવી દઈને 2011માં ત્રીજો પ્રયત્ન કર્યો. પોતાના પારાવાર પરિશ્રમ અને શુભચિંતકોની દુઆઓથી તે 2011માં 226માં રેંક સાથે UPSC ક્લિયર કરવામાં સફળ થયો. ટ્રેનિંગ બાદ તેને નાગલેન્ડમાં IAS કેડર મળી. તેઓએ જે જગ્યાએ તક મળી ત્યાં ભરપૂર લોકોપયોગી અને વિકાસના કામ કર્યા છે.

આમ, એક અનાથાશ્રમમાં ઉછરેલો બાળક આપ બળે આજે IAS બની ગયો. શીખવાનું છે ફક્ત આટલું જ છે કે સફળતા કોઈ સુવિધાની મોહતાજ નથી હોતી.

સફળતા પ્રાપ્ત કરવા માટે તો જોઈએ જોશ અને ઝૂનૂન. વ્યક્તિ પોતાની મહેનત અને મક્કમતાથી મોટામાંમોટો ગોલ પણ ઍચિવ કરી શકે છે. એ સાબિત કરી બતાવ્યું છે મહમ્મદ અલી સિહાબે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *